Archive for નવેમ્બર, 2008

પ્રકરણ – 2 પ્રવૃત્તિ મનગમતી હોય તો…

નિવૃત્તિ નાં વર્ષોને ઘણા “દાદા”ગીરી ના વર્ષો કહે છે. કારણ ખબર છે. આ વર્ષો માં તમે દાદા બનો છો સાચેજ તમારા વિચારો માં પરિપકવતા આવવાથી તમે દરેક મુસીબતો ને… જીવી જઈ શકો છો. વિજ્ઞાને તમને લાંબી આયુ નુ વરદાન આપ્યુ. તમે તમારી જિંદગી દરમ્યાન ઘણા સફળ માણસો ને મળ્યા… તેઓનું જીવન તમે જોયું. આ તબક્કે તમારી બુધ્ધી ક્ષમતા, સમજ અને કુશળતા શ્રેષ્ઠ હોવાની તેથી નવી કારકીર્દી કે નવા સાહસો માં સફળતા તરત મળવાની. આ બધી દરેક નવી વાતો માં તમારુ બદલાતુ વલણ તમને  બહુ જ મદદ કરશે તેથી હું એક વાત જરુર કહીશ અને તે તમને ગમતુ કામ કરજો… તમને ગમતુ કામ કરશો તો થાક નહીં લાગે.

ઉદાહરણ આપુ તો અમારા બીજા કવિ મિત્ર હિંમત શાહ નો અપાય… તેમને બે હાર્ટ એટેક આવ્યા ડોકટરો, મિત્રો અને કુટુંબી અને સ્નેહી જનો ના ચિત્ર વિચિત્ર નિયમનો થી ત્રાસી જતા અને કંટાળી ને કહેતા… મને નથી જોઈતી તમારી સલાહો… બંધનો… જીવન મારુ છે. મને મારી રીતે જીવવા દો.  કોઈને મળવુ નહીં અને ચીઢીયા સ્વભાવ થી આખુ કુટુંબ પરેશાન…..

એક દિવસ મેં તેમની ડાયરી ને કાવ્ય સંગ્રહમાં પરિવર્તીત કરવાની પ્રવૃત્તિ સુચવી અને સમય બંધન પણ રાખ્યુ કે… આદીલ મન્સુરી ઓકટોમ્બર 2002 માં આવે છે તો તમારાથી શક્ય હોય તેટલું મઠારી ને મને આપો પેન્સીલ થી લખેલ આખી કાવ્યોની સ્ક્રીપ્ટ “હળવાશો આ ભારે ભારે” બે અઠવાડીયા માં મને આપતા તેઓ બોલ્યા વિજયભાઈ તમે ડોકટર છો કે શું ?  મને આ બે અઠવાડીયા ઘણું સારુ લાગ્યું…. તમને કદાચ નવાઈ લાગશે પણ 18 કલાક હું કામ કરતો હતો પણ થાક તો કયાંય લાગતો નહોં તો ઉલટી સ્ફુર્તિ વરતાતી હતી.

મારે માટે આ બહુ મોટી જાણકારી હતી કારણ કે માણસનું મન કંટાળો આળસ અને બોર થઈ જવાનું વિચારે ત્યારે દિવસ લાંબો લાગે…. કલાકો જતા દેખાય ના… હિંમતભાઈ ને જે લોકો ની બીન જરુરી સલાહો અને નિયંત્રણો હ્દય રોગના નામે આવતા હતા તેથી કંટાળો આવતો હતો પરંતુ જયારે જુની ડાયરી ફરી લખવાની થઈ ત્યારે તે સંસ્મરણો ફરી તાજા થયા. વિચારો માં ગમતી વાતો ની ભરતી થી અને લખતા ભુંસતા નવુ સર્જન થતુ ગયું. દરેક કવિતાઓ ના જુદા જુદા વિભાગો પાડયા અને જુના લખાણો માં ઉંમરની પરિ પકવતા ઉમેરાતી ગઈ તેથી તે વઘુ સુંદર બની… તે દરેક વાતો એ તેમના મનમાં પડેલી પેલી બોરિયત કે ન કામા થઈ જવાની ભીતિ કાઢી નાખી…. તેમની અગાઉ બહાર પાડેલી બે ગીતો ની કેસેટ ની જેમ જ આ કાવ્ય સંગ્રહ માટે તેમનું મન થનગનતુ…. આદીલ મન્સુરી ના હાથે જયારે તેનું વિમોચન થયુ ત્યાં સુધી એટલે કે છ મહીના સુઘી તેઓ પ્રફુલ્લીત રહ્યાં અને મોગરા ની જેમ મહેંકતા રહ્યાં.

 

મારો નાનો પૌત્ર જય પણ જયારે તેની મમ્મી દુધ દહીં કે માખણ વાળુ ખાણુ આપે ત્યારે….. આઈ વોન્ટ મોર કહી મઝા થી લહેજત માણે… પણ જો તેમ કરતા કરતા જો કોઈક દવા નો ડોઝ આપવાનો થાયતો નો મોમ… ડોન્ટ વોન્ટ કહી ઘર માથે લે… આ વાત એમતો જરુર સમજાવે છે કે ગમતુ કરો તો તે ઝડપથી થાય… થાક ના લાગે અને સ્ફુર્તિ વરતાય 30 થી 60 વર્ષ ના સમયગાળા માં સમયના બંધનો… યરગેટ ડેટ, પ્રોજેકટ કમ્પલીશન ડેટ અને ઘણા બઘા ચિત્ર વિચિત્ર નિયમાધીન જીવન જતુ હોવાથી મહદ્ અંશે લોકો એમ કહેતા સંભળાય છે… જીવીયે છે ભાઈ… ઠીક છે… કંઈ મઝા નથી… કેમકે જે રીતે જીવવુ હોય તે રીતે જીવાતુ નથી –  મા બાપ ની તબિયત સાચવવી દીકરા દીકરીઓની ઉતર પ્રવૃત્તિ સાચવવી અને જિંદગી ની ખેચમ તાણીમાં કયારેય મનગમતો કાર્યક્રમ જોવા ન મળે… આ બોરીયત્ત માંથી… એક ધારી જીવાતી જિંદગીમાંથી મુક્તિ નો સમય મળે છે. 60 પછી…. કારણ કે ત્યાં સુધીમાં બાળકો તેમના સંસારમાં… અને ખાલી પડેલ ઘરમાં… હું અને તુ એકલા જેવી જિંદગીમાં મોટા ભાગે મનને ગમતુ કામ… ઘર રીમોડેલીંગ લોકો તરત જ કરતા હોય છે.

 

પહેલા પર્દા વિનાનાં ઘર તરફ ધ્યાન નહોતું જતુ તેવા મિત્ર સ્કોટ આડમ ને ડ્રીલ લઈ ભીંત ને કોચતો મેં જોયો ત્યારે ખુબ નવાઈ લાગી મેં પુછ્યુ તો જવાબ મળ્યો પહેલા હું અને તારા કદી વિચારતા નહોંતા કે પર્દા લગાડવાનુ અમને ફાવશે જુનિયર હતો તો તે કરશે ની આશા માં સમય જતો રહ્યો હવે ઘર ઘણુ મોટુ લાગે છે અને નવરાશ છે તો ડ્રીલ વાપરતા શીખી ગયો… તો લાગે છે આ કામ અઘરુ નથી તેથી કરવા માંડયો. તો લારા પણ ખુશ અને તેને કામે લગાડી દીધી તે પર્દા ની સાઈઝ, રંગ અને આના લાઈલર ના ઘક્કા ફેરા ખાતી થઈ ગઈ… બે દિવસથી નવુ કામ કરવાની મઝા આવી ગઈ. ખાસ તો બેટરી બદલ્યા પછી ડ્રીલ ફાસ્ટ ફરતી થઈ ગઈ. પહેલો સ્ફુ ચઢાવતા અર્ધો કલાક લાગ્યો. ભીત માં ગાબડુ પડયુ થોડી લારા સાથે તુ તુ મેં મેં થઈ… પણ હવે અર્ધો કલાકમાં 4 બારી થઈ તેથી તે પણ ખુશ અને હું જે વિચારતો હતો કે આમા શું ધાડ મારવા ની તે ઘણું શીખ્યો. કલોક વાઈઝ અને એન્ટી કલોકવાઈઝ ડ્રીલ ચલાવવી જેથી સ્ક્રુ ચઢે અને ઉતરે મને તો મઝા પડી ગઈ. આમેય કશુ કરવાનુ હતુ નહીં… કંઈક કામ કર્યું તો પૈસા પણ બચશે અને લારા પણ રાજી થશે… સ્કોટ આમ તો ફાર્મસી નો માણસ… સ્ક્રુ ડાઈવર કે ડ્રીલ કયારેય વાપરી ન હોતી થોડીક મથામણ ને અંતે કરેલ કામ થી તેને અને લારા ને એક એક ની નજીક આવવાની તક મળી અને ઘર ને લાઈટબીલ માં રાહત થશે અને રુપાળુ કરવાની તક મળી.

સ્કોટને નવુ કામ ગમ્યું તેથી તેણે મથામણ કરી લારા વારંવાર ફરિયાદ કરતી સ્કોટ રીટાયર થયો ત્યારથી તેની જિંદગી ખરાબે ચઢી… કારણ કે ઘરમાં બેઠો બેઠો ખણખોતર કરે….. રસોઈ બનાવે –  વાસણો બગાડે અને રસોઈ માં કોઈ ભલીવાર નહીં લારાએ સ્કોટ ને રસોડા બહાર મુક્યો તો  ગાર્ડન માથે લીધુ. તેથી લારા બહુ જ બગડી પણ સુથારી કામ ગમી ગયું. તેથી હોમ ડીપો અન લોઝ માં સ્વ પ્રયત્ને શીખવાડતા કલાસ લેવા માંડયા.

સ્કોટ પોતાની નિવૃત્તિ દરમ્યાન કશુ કરવુ છે ની માનસિક તકલીફો વેઠ તો હતો અને લારા ને તકલીફ આપ્યા વિના તેના ઘરમાં તેની જગ્યા શોધતો હતો. તે તેને મળી જતા તે જાણે કે નવી પ્રવૃત્તિ માં સક્રિય થઈ ગયો… શોખ ખાતર કરાતા આ કામ માં તેને ધીમે ધીમે આનંદ મળતો ગયો અને વરસમાં અંતે ડ્રીલ અને થ્રીલ નામની કન્સલ્ટન્સી ફર્મ શરુ કરી… જે ધીમે ધીમે હોબી સેન્ટર બન્યુ…

આવાત એમ સુચવે છે કે નિવૃત્ત એટલે નવરા નહીં… નિવૃત્ત એટલે ઘરમાં બેસી રહેવુ એમ પણ નહીં અને નિવૃત્ત એટલે પ્રવૃત્તિ હીત નહીં. જયારે 60 વર્ષે નાણાકીય નિવૃત્તિ આવે પણ પ્રવૃત્તિ માં નિવૃત્તિ નહીં.

 

ડો. પ્રફુલ શાહ સાથે મેં 2005 માં વાત કરી સાવરકુંડલા ના ઇન્દીરાબેન અને પ્રફુલભાઈ એ નિવૃત્તિ પછી ની તેમની પ્રવૃત્તિ શોધ નું બહું રસપ્રદ વર્ણન કર્યું. તેમના પૂ. મોટાબેન વિનોદીની બેન સુરેન્દ્રનગરમાં બાળકો ને ટીવી અને તેમા આવતી ઉશ્કેરાટ અને હિંસા પ્રવૃત્તિ થી દુર રાખવા ના પ્રયત્ન સ્વરુપે બાળ લાઈબ્રેરી ખોલતા તેમના બાપુજી ના નામે તેમણે 5-7 બાળ લાઈબ્રેરી જુદા જુદા લત્તામાં ખોલી છે. જયારે જયારે તે સાવરકુંડલા થી અમરેલી જાય ત્યારે બેન ની આ પ્રવૃત્તિ ને જુએ અને એ પ્રવૃત્તિ ની બીજ ઈન્દીરાબેન અને પ્રફુલભાઈ ના મનમાં રોપાયું.

 

બે વર્ષ બાદ 1997 માં અમરેલી નો તે રંગ સાવરકુંડલા માં કાઢયો. પહેલી બાળ લાઈબ્રેરી ખુલી.. સમય ની સાથે બાળકો વધ્યા… સુ સંસ્કૃત બાળકો પ્રસંગો વાત લાઈબ્રેરી ની ચોપડીઓ ના આધારે વિવકાનંદ બની તેમનું લખાણ ભજવે. તે સમય દરમ્યાન સોનલ મોદી અનુવાદીત પુસ્તક સંભારણા ની સફર જે સુધા મુર્તિ એ લખેલ પુસ્તક વાંચવામાં આવ્યું… જેમાં બાળકી સુધાને દાદા પાસેથી વાર્તા સાંભળવામાં શોખ… તેથી રોજ એક વાર્તા સાંભળે… એક દિવસ એક વાર્તા પુનરાવર્તીત થઈ અને સુધા એ દાદાને કહ્યું આ વાર્તાતો તમે કહેલી હતી… તે વાતે દાદા સુધાને લાઈબ્રેરી બતાવવા લઈ ગયા. અંતકાળે દાદા એ સુધા પાસે તેમના નામે એક લાઈબ્રેરી ખોલવા નું વચન લીધુ જે સુધા મુર્તી એ કર્ણાટક માં 10000 કરતા વધુ લાઈબ્રેરી ખોલી… ત્યારે પ્રફુલભાઈ ને અને ઈન્દીરાબેન ને તેમનુ નિવૃત્તિ નું કામ મળ્યુ તેમણે વિચાર્યું આપણે 100 લાઈબ્રેરી તો ખોલીયે….

પ્રફુલભાઈ અને ઈન્દીરાબેન સક્રિય થયા બાળ પુસ્તકો સંસ્કારી વાંચન સામગ્રી અને પ્રેરણા દાયક લખાણો નું લીસ્ટ બન્યુ… ભાવો કઢાવ્યા…. પબ્લીશરો અને ઘણા સરખા વિચારો નાં શિક્ષકો ને સાથે લઈ પુસ્તકો નું સ્કુલ પ્રમાણે વિતરણ થયુ… આ પહેલા 100 પુસ્તકાલય ને ખોલવામાં ઘણું શીખવા મળ્યુ… બીજા વર્ષે તે નંબર વધ્યા. ત્રીજા વર્ષે તેથી પણ આગળ વધ્યા…. સાથે સાથે તે પુસ્તકો નો સદુપયોગ –  નિબંધ સ્પર્ધા જેવુ ગોઠવાયું અને આજે તે કામ તેમનાં શ્ર્વાસ અને પ્રાણ છે.

મૂળ મુદો અહીં એ સમજવાનો છે કે જો મન હોય તો માળવે જવાય જો રસ પડે તો તે પ્રવૃત્તિ આનંદ દાયક બને… તેથી નિવૃત્તિ ના સમય માં તમને ગમતી પ્રવૃત્તિ શોધો અને કરશો તો કંટાળો નહીં આવે અને કંટાળો ન આવે તો થાક નહીં લાગે અને થાક નહીં લાગે તો જીવન જીવવા જેવું લાગશે

 

નવેમ્બર 29, 2008 at 10:52 પી એમ(pm) Leave a comment

પ્રકરણ – 11 ગ્રહદશા નહીં –”આગ્રહ” દશા નડતી હોય છે.

એક લેખમાં આ વાક્ય વાંચ્યું અને ખુબ ગમ્યુ. આ લેખ મોકલનાર શ્રી ઉત્તમભાઈ ગજ્જર નોને લેખત ચિંતક ગુણવંત શાહ નો આભારી છું કે તે આ પ્રકરણનાં સર્જન માટે ઉદીપક બન્યા….

આગળ આપણે ત્રિકમકાકા ની વાત જોઈ તેમના લગ્ન વિચ્છેદ નું મુખ્ય કારણ આ જ…. કે જયાં હોય ત્યાં તેમને તેમનુ પોતાપણુ દર્શાવ્યા વિના રહેવાય નહીં. મણીમાસને ઢોકળા બનાવતા મેં શીખવ્યું.. અને છેલ્લે તો હદ જ કરી નાખી હતી.. મણીમાં તો કંઈ હતુનહીં… એ તો મારે લીધે આટલુ સુધરી… મણીમાસી એ કંટાળી ને એમનામાં જે છે તે બતાવવા ત્રિકમકાકાને છોડયા….

 

જૈન ધર્મ નાં તિર્થંકરો એ ઉપદેશે છે અને કાંતવાદ એમ કહે છે મારો અભિપ્રાય સાચો હોઈ શકે તેમ જ તારો અભિપ્રયા પણ સાચો હોઈ શકે…. પરંતુ ત્રિકમકાકા ના મને મારો જ અભિપ્રાય સાચો…ને મારા સિવાય અન્ય કોઈ નહીં સાચો.. આ જડ વલણ એટલે આગ્રહ દશા…. તેમનું ચાલે તો રાષ્ટ્રપતિ ને પણ ક્ષણમાં રાષ્ટ્ર જતિ બનાવી દે…..

 

નિવૃત થયા પછી આ આગ્રહ દશા નો ભોગ ઘણાને છે. અને તે ન બનવા દેવા માટે જ અનેકાંતવાદ પ્રયોજાયો હતો.

 

દાસકાકા ભારત થી વહાણમાં બેસી દારેસલામ પહોંચ્યા ત્યારે એક મહીનો લાગ્યો હતો. તે વાત હતી 1947 ની હતી આજે દારેસલામ 3 કલાકમાં પહોંચી જવાય…. આજે જો દાસકાકા એમ વળગી રહે કે મહીના પહેલા ભારતથી દારેસલામ પહોંચાય નહીં તો તે વાત ચાલે !! કહેનારા તો એમ જ કહે ને તમારી વાત 1947 માં સાચી હતી આજે નહીં… એવું જ નિવૃત થયા પછી આપણો પહેલાનો અનુભવ આજે ચાલે તેવુ માનવુ અર્થહીન છે…. વચ્ચે નાં તબક્કામાં ઘણા પાણી સમુદ્રમાં ઠલવાઈ ગયા….

 

પ્રસિધ્ધ રીપ વાન વીંકલ ની વાત તો ખબર છે ને…. 20 વર્ષની મહાનિંદ્રા પછી જાગીને જોયુ તો દુનિયા કયાંય બદલાઈ ગઈ હતી…. નિવૃત્તિ પોતે માણવા માટે છે. પોતાનાં અભિપ્રાયો લાદવા માટે નહીં. તે અભિપ્રાયો પોતાના પેટનાં જણ્યા પણ લેવા તૈયાર ન હોય ત્યારે અન્યની તો વાત જ શું કરવી ?  મેં ઘણા ઘરો માં જોયું છે કે જેને જનરેશન ગેપ કહે છે તે દ્રષ્ટિ ભેદ જ હોય છે. સાદો દાખલો આપુ તો બાપ ભૂતકાળ નાં અનુભવો કહેતો હોયને દિકરાને ભવિષ્યકાળ દેખાતો હોય તે બંને વર્તમાનમાં સાથે કેવી રીતે રહી શકે ?

 

વર્તમાનમાં રહેવા માટે આગ્રહો છોડવા પડે અને તે છોડવા નું એક સહજ પણ અસરકારક વાક્ય છે….. “હું માનું છું કે” અથવા અમારા જમાના માં….” આમ થતું હતું એવી રીતે વાત ની રજુઆત થાય તો આગ્રહ નો ભાર હળવો થાય….

 

કયાંક વાંચ્યુ હતુ કે બાપ અને દિકરા વચ્ચે 30 થી 40 વર્ષનું ઉંમર અંતર અને બંને ની નજર નો વ્યાપ્ત જો 15 વર્ષ હોય તો બે જણા કયાંય કયારેય ભેગા કેવી રીતે થઈ શકે…. અરવિંદભાઈ નો અનુજ જયારે અમેરીકન કાળી કન્યાને પરણ્યો… ત્યારે કૃધ્ધ અરવિંદભાઈ બોલ્યા…. મેં આ સંસ્કાર ન હોંતા આપ્યા… આર્ય થઈ અનાર્યમાં પરણે મારી આખી ભવિષ્યની પ્રજાને બોળી દીધી…. 30 વર્ષ પછી અરવિંદભાઈ ને થયુ હવે આર્ય અનાર્ય જેવુ કંઈ રહ્યું જ નથી એ બે ખુશ છે સુખી છે તેથી વધુ બાપે શું જોવાનું ? ને આપ મુઆ પીછે ડુબ ગઈ દુનિયા……

 

નિવૃત્તિ શબ્દ માં લાગેલ નિ:પુર્વગ એમ સુચવે છે… કે ધીમે ધીમે જાત ને અંદર ખેંચો…. વિચારધારા ને સ્વ  તરફ વાળો… જે સ્થિતિ જન્મ સમયે હતી તે સ્થિતિ તરફ વળવા નું આધ્યાત્મિક પ્રયાસ એટલે નિવૃત્તિ…… જન્મ્યા ત્યારે માબાપ કાળજી રાખતા હતા…. મન કોમળ હતુ ભુખ લાગે ત્યારે ભેંકડો તાણવો અને પેટ ભરાય ત્યારે ખીલખીલાટ હસવું તેવું થવાનો પ્રયાસ એટલે નિવૃત્તિ ની ચરમ સીમા

 

પણ એવુ નથી થતુ કારણ પેલુ વિકસીત મન છે. તે બાળક કદી નથી થતુને આજ કારણ છે કે આગ્રહ જતો નથી. ડાયાબીટીસ થયો હોય…. ગળ્યુ ખાવાની ચળ ઉપડતી હોય તો ડોકટર બે વાત કહેશે જ…. કાં ખાંડ ખાવી બંધ કરો કાં દવા-ઈન્સ્યુલીન લો. વિકસેલું મન એ ડાયાબીટીસ છે તેને ગળ્યુ ખાવાની ઈચ્છા (ચળ) થયા કરે તે આગ્રહ છે. તેનું મારણ બે જ છે કાં તો જાતે આગ્રહ ને શીથીલ કરો….. (અમારા જમાનામાં જેવા શબ્દો પ્રયોજી ને.) કાં તો ઈન્સ્યુલીન લેવા જેવી લોકોની ઉપેક્ષા કે નારાજગી વહોરે તે.. લોકો એમને એમ નથી કહેતા કે સાઠે બુધ્ધી નાઠી……

 

દ્રષ્ટિ બીંદુ નો ભેદ છે… ત્રીજયા જુદી હોય ત્યાં એક દ્રષ્ટિ મેળ આવે જ નહીં…. તેથી અનેકાંતવાદનો સ્વિકાર…… તમને ધીમે ધીમે સ્વ ને પર નાં વિચારોમાંથી આત્મલક્ષી વિચારો તરફ લઈ જશે..હું સાચો હોઈ પણ શકુ દાસ કાકા ની જેમ અને હું ખોટો પણ હોઈ શકુ તેવી 50 : 50 ની શક્યતા નો સ્વિકાર એટલે નબળી પડતી આગ્રહ દશા……

 

ઉમાકાંત બક્ષી જયારે નિવૃત્ત થયા ત્યારે પહેલુ કામ એમણે કર્યું હતુને તે દિકરા કમલ ને ઘરની ચાવી આપી કહે હું હવે તારો દિકરો મેં તને જેમ ઉછેરી મોટો કર્યો તેમ તુ હવે મને નાનો કર…કમલ ત્યારે પોશ પોશ આંસુડે રડ્યો હતો…. કહેતો હતો કે તમે તો સદાય મોટારહેવાનાં…. હું તમને નાના નહીં પણ દાદા બનાવીશ……

નવેમ્બર 27, 2008 at 10:41 એ એમ (am) Leave a comment

પ્રકરણ –(10) પહેલુ સુખ તે જાતે તર્યા…

તમને નવાઈ લાગશે હું ખુબ અગત્યનાં વિષય ઉપર આટલો મોડો કેમ આવ્યો ? 

નિવૃત્તિ ની પ્રવૃત્તિઓમાં આ પ્રવૃત્તિ જરુરી છે જે પણ આગળ બાંધેલ વિવિધ વિષયો ની પૂર્વ ભૂમિકા એ આ પ્રકરણનું લવણ છે. જયારે તમે નિવૃત થયા ત્યારે માનસિક સ્થિરતા જાળવવા આગળ ઘણી વાતો કરી… હવે શરીરને સાચવવાની કેટલીક વાતો અત્રે હું કરીશ. 

હીરાકાકા અમારા એવા કુટુંબી કે જેમને નખમાંય રોગ નહીં, આખી જિંદગી કુંવારા રહ્યા હતા તેથી જીવન જીવવાની પધ્ધતિ બહુ કેળવાયેલી નાના ભાઈઓ ની પત્નીઓ સાથે રહેવાનું અને સંયુક્ત કુટુંબ વિકસાવવાનું ઘણુ અઘરું કામ તેમણે  નાળીયેર ના કાચલાની કડકાઈથી કરેલુ અને અંદરનું હ્દય તો એજ મીઠું ટોપરું અને વ્હાલનો ધુધવતો દરિયો… 

રવિવારે પાંચશેરીયા માર્કેટમાં પાંચ થેલીઓ અને બે છોકરાય લઈને જાય અને આખા અછવાડીયાનું શાક, ફળ, મસાલા લઈને આવે… અને સવારનાં પહોરમાં ચપ્પુ લઈ શાક સમારી નાખે… નાની ભાભીઓ રસોડામાં આવે ત્યારે તેમનો પહેલો કપ ચા હીરાકાકા પાય… પણ પછી કડે ધડે ત્રણે ભાઈઓ નાં છોકરાય ને નવડાવે… તૈયાર કરે અને કામે ચઢે…. સેલ્સમેન નું કામ એટલે ચાલવાનું ખુબ થાય… અને શરીર પડછંદ તેથી કસરત તો રોજ થાય. તેઓ કહેતા…. 

જે હોય ઉણોદરી ફળાહારી અને બ્રહ્મચારી

તે પીએ ઘણુ પાણી અને રહે સદા પદાચારી

 

તેઓ 80 વર્ષ જીવ્યા. પણ નખમાંય રોગ નહીં. તેમનું સવારનું ભોજન એટલે એક સફરજન અને વાડકો ભરીને કાચુ સલાડ… જેમાં મૂળા, ગાજર, કાકડી અને જુદી જુદી ભાજી તો હોય્. બપોરે એક વાગે નાસ્તાના ડબ્બામાં બટાકા પૌંઆ ઉપમા કે બે થેપલા દહીં સાથે હોય… સાંજે છ વાગે ઘરે આવે ત્યાં  લગભગ 4 થી 6 માઈલ ચાલીને આવ્યા હોય ત્યારે ભર પેટ પાક ભાણું જમે. અને જમતા જમતા ખુબ ચાવી ચાવીને ખાવાનું ખાય અને પુરી લીજ્જત થી જમણ ને માણે કદી કોઈ ટીકા નહીં ટીપ્પણ નહીં કયારેક ભાત મોળો લાગે તો જાતે ઉઠીને મીઠુ લઈ લે પણ કોઈ હુકમ નહીં કોઈ ચર્ચા નહી અને જો કોઈ છોકરો વાંકુ ચુકુ બોલ્યો કે રડારોળ કરી તો આવી જ બને… સાંજે સાત સાડા સાતે ખાસ તો મોટા છોકરાઓને લઈ હેંગીગ ગાર્ડન કે ચોપાટી ઉપર સુર્યાસ્તને જોવા જાય… આ નિયમ તેમનો 75 વર્ષ સુઘી ચાલ્યો… પછી પડી જવાથી ઘુંટણો અને પગનાં સાંધામાં દર્દ થયુ અને તે ટેવ ડોકટરનાં કહેવાથી છોડી.

 

હીરાકાકાની આ રોજનીશી અત્રે લખવાનું પ્રયોજન સ્પષ્ટ છે. જાતે સુખી રહેવા કેટલોક ક્રમ સુયોગ્ય રીતે અહીં નોંધુ છું.

 1. પુરી 8 થી 9 કલાકની ઉંઘ લો…. તે લેવા રાત્રે 10 વાગ્યે સુઈ જવુ અને પ્રાત કાલે 6 વાગે ઉઠી જવું.
 2. નરણા કોઠે બે થી ચાર ગ્લાસ પાણી પીવું….
 3. નિત્ય ક્રીયાઓથી પરવારી શક્ય હોય તે ધર્મ જાપ કે અંતરાત્મા તરફ વળવા જરુરી આધ્યાત્મ ક્રિયા કરવી.
 4. જીવન સાથી ને શક્ય સહાય.. શાક સમારવું ચા બનાવવી જેવી કરવી કે જેથી તેની સવાર પણ પ્રફુલ્લીત બને.
 5. ગઈકાલ જતી રહી છે તેની ચિંતા ન કરવી આવતી કાલ હજી આવી નથી યોગ્ય પ્લાનીંગ કરવુ પણ આજ તો આજ છે તે આજ માં જ જીવવું.
 6. હસવું અને હસાવવું…. જીવન સાથી, કુટુંબી જનો…. આસપાસના સૌને.
 7. ખુબ પાણી પીવુ.. કોસીરીયુ ગરમ પાણી પીવુ, જાપાન નાં લોકો નું આયુષ્ય લાંબુ હોવાનું કારણ છે રોજ નાં દસ ગ્લાસ પાણી પીવુ અને ઉણોદરી રહેવું. ઓડકાર આવે ત્યાં સુધી ખાધા કરવુ તે જઠર ઉપર બળાત્કાર છે. મોટી ઉંમરે ખાવા માટે જીવવા કરતા જીવવા માટે ખાવાનું તે સુત્ર જીવન ને પીડા રહીત કરે છે.
 8. સાંજ પડે અર્ધો કલાક ચાલવું બાગ બગીચા અને ઘર બહારની વાતો સંસારનાં તણાવો ને કયાંય ભગાડી જાય છે.
 9. દર છ મહીને શરીર નો તબિબિકીય હિસાબ ( Financial Check up) કરવો.
 10. દર વર્ષે નાણાકીય અને કાનુની હિસાબ કરવો ખાતે નફો જ રહેવો જોઈએ તે માટે જરુરી કરકસર અને પુન: રોકાણ જેવા પગલા લેતા રહેવા જોઈએ.
 11. હીરાકાકા જેવી વાત દરેકની ન પણ હોય… તબિ.યત અસ્વસ્થ રહેતી હોય તો પરહેજી  ને દવા લેવા માં નિયમિતતા એ જરુરી કવાયત છે.
 12. કહે છે ઘી નો ઉપયોગ દિવો કરવામાં અને ખાંડનો કે મીઠાનો ઉપયોગ કવચિત કરવાથી આયુષ્ય ની દોરી દસ વર્ષ વધે છે. અને ડાયાબીટીસ, હ્દયરોગ અને બ્લડ પ્રેસર જેવા રોગ કદી તમને સ્પર્શી નથી શકતા….બાગ, ટહુકા, બાંકડા, હવાને સાંજ છે…. ચોતરફ આમંત્રણો છે તુ બહાર નજર કર. ઉણુ પેટ, ચાલતા પગ અને હસતુ મો એ સ્વસ્થ નિવૃત જીવનની આરસી છે. જમ્યા પછી ખુલ્લા પાર્કમા અર્ધો કલાક ચાલો….
 13. કુદરત નાં સાનિધ્ય માં રહો…. તે નિત્ય નવી તાજગી અને સ્ફુર્તિ બક્ષતા હોય છે. સૂર્યોદય દરિયા કીનારો કે હીમાચ્છાદીત ગીરીશૃંગો કે ગામનું તળાવ…. રોજીંદી જિંદગી નાં તણાવોને બાળી જઈ શકે છે.  (ચિત્ર – 13)
 14. ફળાહારી અને ઉણોદરી બનો. (ચિત્ર – 14) તાજા ફળો અને તેના રસો વિશેનો લેખ પરિશિષ્ટિમાં આપ્યો છે. તે વિવિધ પ્રકારનાં ફળ રસો નું નિત્ય સેવન યોગ્ય માત્રામાં કરો.
 15. ઘોંઘાટીયા વાતાવરણથી દૂર રહો…. શાંત સમયે ભકિતનું ભજન કે કોઈક શાંત રાગ સાંભળો…. ઘોંઘાટ તણાવ વઘારનારો હોય છે. અને તણાવ…. શીરદર્દ કે હાઈ બ્લડ પ્રેસર વધારનારો હોઈ શકે… ટી.વી. સીરીયલો જે રોતલ અને દર્દ દાયક હોય તેને જોવાનું ટાળો. તે ભલે ચટપટી હોય પણ તે તણાવ પેદા કરતી હોય છે. અને તણાવ કોઈપણ ઉંમરે નુકશાન દેય હોય છે.

 

નવેમ્બર 27, 2008 at 10:38 એ એમ (am) Leave a comment

પ્રકરણ – 9. જીવન સાથી ને આદર અને તેની ભાવનાનું ઉન્નત બહુમાન

નિવૃત થનાર યુગલો ધણીવાર એ ભૂલી જાય છે કે પતિ અને પત્ની સાથે નિવૃત થવા જોઈએ… પતિ એ નોકરી કરી અને પત્નિએ ઘર સાચવ્યું અને બાળકો મોટા કર્યા તેથી તેને કયારેય આરામ નહીં ?

ઘણા અનુભવી યુગલો તેમનું સહુજીવન નિવૃતિ પછી શરુ કરતા હોય છે. હવે જયારે સંતાનો તરફની જવાબદારી પૂર્ણ થઈ હોય ત્યારે એક મેક નાં ગમા અણગમા ઓળખાતા હોય….. લગ્ન પછી જે વાતો ગમતી હોય તે સાંસિરક જવાબદારીઓ માં ધીમે ધીમે વિસ્મરણ પણ થઈ હોય અને કદાચ તે વાતો આજે અણગમો પણ પ્રેરતી હોય.

અમારા કવિ મિત્ર ગીરીશ દેસાઈ કહે કે ભાઈ હું કશું ન કરું તે મૃદુલા ને ન ગમે….. અને તેથી નિવૃતિ પછી એક ટેબલ ઉપર મારા સુધારી કામ નાં ઓજારો…. કાગળ કામનાં હથીયારો જેવા કે કાતર ગુંદર કલર વિ. ભેગુ કરીને કહે – આ તમારો સ્ટુડીયો….. તમારી અનુકુળતાએ ગેબી (પૌત્રી) માટે કોઈક રમકડું બનાવતા રહો તો તે આવે ત્યારે તેને ગમે અને તમારો પણ સમય જાય. પછી હળવી ભાષામાં ગીરીશભાઈ બોલ્યા હું રસોડા માં ચા બનાવું ત્યાં સુધી વાંધો નહીં. પણ તેથી આગળ ના વધુ તેથી મૃદુલા એ મને તેની નજર સામે રહું પણ વધુ ખટખટ ન કરું તેવો રસ્તો બતાવ્યો. આ અનુભવ નીચોડ 55 વર્ષ નાં દાંપત્યજીવન નો નીચોડ નથી ?

બંને પતિ પત્ની એક મેક ની રુચી અનુસાર એક મેક ને પુરક થવાનો પ્રયત્ન કરે તેવી સંવાદી વાતો જિંદગી ની કડવાટોને ભુલવા મથતી હોય છે.

અમારા પુરણચંદ મામા અને શોભા મામીને કયારેય એક જ સુર માં ગીતો ગાતા જોયા નહોંયા…. પણ તેમનો એકનો એક દિકરો દર્શન અકસ્માતમાં મૃત્યુ પામ્યા પછી મામા માં એક જબરજસ્ત પરીવતર્ન આવ્યુ…. અને તે – હવે બાકીની જિંદગી શોભાને વણજોઈતી વાતોથી દુખ ન પડવા દેવું તેવું નક્કી કર્યું…. અને ચમત્કાર થયો… જે મામી બોલે ત્યાં મામા કહે હા – ન કોઈ વિવાદ કે ન વિરોધ…. અને જયારે પણ મામા બોલે ત્યારે મામી પણ કહે – હા – તમે જેમ કહો તેમ…. આવુ પંદર વર્ષ ચાલ્યુ…..એક દિવસ શોભા મામી બોલ્યા…. તમને મેં દર્શન હતો ત્યારે તે 25 વર્ષ બહું સંતાપ્યા. તમને જો માન્યા હોત તો 40 વર્ષનું દાંપત્ય કેટલુ રુડુ હોત ?

પુરણ મામા… પહેલી વખત ત્યારે ખુબ રડ્યા… કારણ દર્શન પણ તેમને તેજ કહેતો હતો…. પપ્પા – મમ્મી ઘણી સારી છે પણ તેને તમે નિષ્ફળ જાવ… ખોટમાં જાવ તે ગમત નથી તેથી ટકોર્યા કરે છે.

ઘણી વખત પરસ્પર પ્રેમ પ્રદર્શન નાં પ્રકારો મૌન – સહકાર અને અસહકાર થી દેખાડતો હોય છે… જે પુરણચંદ મામા એ 15 વર્ષ મૌન સહકાર બતાવ્યો અને 40 વર્ષનું દાંપત્ય સંપૂર્ણે ચઢાવ્યું.

આપ ત્યારે નિવૃત થશો ત્યારે એ ધ્યાન રાખવું કે આપનો જીવન સાથી હજી નિવૃત નથી થયો… તેને મદદ કરવામાં હીણપત નહીં ગર્વ અનુભવો કારણ કે તે સહજીવન બંને નું સહીયારું છે. અહીં વિશ્ર્વદીપભાઈ અને રેખાબેન ની વાત ફરીથી યાદ આવે છે. વિશ્ર્વદીપભાઈ નિવૃત થઈ ગયા… પણ રેખાબેનની જોબ ચાલુ…. હયુસ્ટન નાં ભારે ટ્રાફીક માં સમયસર પહોંચવા રેખાબેન ને વહેલું નીકળવું પડે… તો રાતનાં ડબ્બો તૈયાર કરી રાખે અને સવારે કુકર મુકી રાખે – વિશ્ર્વદીપભાઈ સવારે ઉઠે અને દાળ વધારે – બ્રંચ જાતે બનાવે અને એમની નિત્ય ક્રિયામાં લાગે… સાંજે 4 વાગે રેખાબેન આવે ત્યારે દાળ ભાત શાક અને એકાદ મીઠાઈ વિશ્ર્વદીપભાઈ બનાવી રાખે – રેખાબેન તે આવી ને રોટલી કરવાની… અને સાંજે 5.00 વાગે જોડુ જમી પરવારી ને ટીવી ઉપર સીરીયલ જોતુ હોય… આ દિનચર્યા રેખાબેન નિવૃત થયા એટલે કે 2002 થી 2007 સુધી ચાલી… હવે બંને નિવૃત છે. બંને સામેથી કહે છે. હવે ગગન જેવો સમયનો ગંજ અમારો છે. સાથે જીવીયે છે. – ફરીયે છે અને મઝાની નિવૃત જિંદગી જીવીયે છે.

કદીક એવું નથી લાગતું કે જીવન સાથી ની ઉણપો શોધ્યા કરતા તેની ખુબીઓ શોધવી એ નિવૃતિ ની સાચી પ્રવૃતિ છે. ?

ઘણાં કમનસીબો એવા પણ હોય છે કે જે આ અવસ્થામાં જીવન સાથી ગુમાવી બેસે છે ત્યારે જે પોતાની જાતને બાપડા બીચારા બનાવે છે. તે સૌને એક વિનંતી… જીવન સાથી હયાત ભલે ન હોય તમારા વિચારોમાં તેને તમે જીવંત રાખી શકો છો – અને રાખવા જોઈએ. આ માનિસક ભ્રમણા ઘણી વખત અકસીર ઔષધ બની રહે છે. તેની યાદો તમને બેચેન બનાવી મુકે ત્યારે વિહવળતા નહીં – વિલાપ નહીં – ફકત એક ફરિયાદ આપણે સાથે છીએ – અને છતા તુ મને ઠપકારતો નથી… હું વિહવળ અને બનાવટી બનું તે શું તને ગમે ?

જીવન સાથી ને સન્માન તે વાત જેણે યૌવનકાળથી અપનાવી છે તેઓ લાંબુ જીવન જીવે છે. જેણે જીવન સાથીની ઉપેક્ષા…. અનાદર કર્યો છે તેઓ અંતે એજ પામે છે જે તેમણે આપ્યું હોય……

જયારે ત્રિકમ કાકા 74 વર્ષે મણીમાસી થી કાયદાકીય રીતે છુટા પડ્યા ત્યારે આખુ શીકાગો સ્તબ્ધ હતું. છુટા પડનારાઓને દરેકે એમ કહ્યું આ જીવન સંધ્યાએ આ શું માંડ્યું…. મણીમાસી કહે એમની સાથે લગ્ન એ મારી 54 વર્ષની તપર્શ્ર્યા હતી. પણ કયારેય કોઈ ફળ ન મળ્યું…. અને જે મળ્યુ તેનાથી હવે હું ઉબાઈ ગઈ છું. હું કામવાળી – નોકરાણી અને હલકી માની છું વાતોથી થાકી ને એમના થી છુટી છું. જેટલા પાંચ સાત વર્ષ જીવીશ… તેટલા વર્ષ હવે હું મારી જિંદગી મારી રીતે જીવવા માંગુ છું. ત્રીકમકાકા કહે એ ગઈ તો ભલે ગઈ… હું કંઈ ભાગી નથી પડવાનો… અને ઘરમાં – રાંધવાવાળી અને સાફ સફાઈ કરવા વાળી બાઈઓ ને રાખી….. જીવવા માંડ્યા…

એ બેનું જીવન ખરાબે ચઢયુ ને ફાવ્યું કોણ ? કુંટુંબની સંપત્તી ઘટતી ગઈ… જે છોકરીનાં જોરે મણીમા એ ઘર કર્યુ ત્યાં તે કામવાળા બન્યા… અને ત્રીકમકાકા નાં ઘરે કામવાળા ઘરને કાણુ કરતા ગયા…. આ ઘરના નો ઉલ્લેખ બરોબર વિશ્ર્વદીપભાઈની રહેન સહેન કરતા વિરુધ્ધ છે. તેમણે રેખાબેન ને માન આપ્યુ સાચવ્યા…. તેથી સચવાયા…. અને હજી સાથે છે. ત્રીકમકાકાએ મણીમાસી ને જેમ તેમ તડકાવ્યા… અને આજે એકલા છે.

વાતનો અંત તો જે છે તે છે જ… પણ પુરણમામા સુધરી ગયા… તો તેમનો સંસાર સુધરી ગયો…. ત્રીકમકાકા ફટકેલ રહ્યા અને લગ્ન જીવન ભાંગી ગયું.

આ પ્રકરણ નો સારાંશ… એટલો કે નિવૃત જીવનની મઝા તો સહસાથી વિના અધુરી જ છે. તેને સાથે રાખવાની બાબતો માં જીવન સાથી નો આદર એ મુખ્ય ઉંજણ છે.

નવેમ્બર 27, 2008 at 10:36 એ એમ (am) Leave a comment

પ્રકરણ – 8 કુટુંબની અંગત વાતો……

ઘણાં કુટુંબો ના વડીલો બાંધેલા ભારાની રાશ (દોરી) જેવા હોય છે. જે કુટુંબો ને એક રાખે છે…. જયારે ઘણા… કંઈક બન્યુ અને ટેલીફોન ઉપર તે વાત નો ઢંઢેરો પીટવા માંડે છે. એ તો સૌ જાણેજ છે કે છુટી પડેલી લાકડીઓ તોડવી એકદમ સહેલ છે પણ ભારાને તોડવો એટલે લગભગ અશક્ય…..

નિવૃત્ત થતા દરેક યુગલો મહદ્ અંશે દાદા દાદી કે નાના નાની તો બની જ ચુકયા હોય છે. તેથી આ એક આડકતરી જવાબદારી છે કે તેમના મગજમાં જુદા જુદા જડબેસલાક ખાના પાડી દે… જેમ કે વહુની વાત દિકરીને કે દિકરીની વાત દિકરા ને બને ત્યાં સુધી ન કહેવી.

મને હજી યાદ છે કે શેઠ ચિરંતની પાઠક નું ઘર દ્વંશ થઈ જવાનું કારણ હતુ શેઠાણી તારાબા નું નારદ પણું….. જયાં જાય ત્યાં પોતાનો અભિપ્રાય આપે કે બીજાને અભિપ્રાય માંગે…. અને પછી તે અભિપ્રાયે પોતાના અનુભવ ને ઉમેરી તેમાં મીઠુ મરચુ ઉમેરી ને મસાલાપ્રદ કહાની બનાવી…. આની વાત… આને… અને તેની વાત આને કહી ડબલ ઢોલકી બને… અને પાછુ તેમનુ બ્રહ્મ વાક્ય… આ તો મને તારી લાગણી તેથી કહું… બાકી મારે શું ? તમે જાણો અને તમારી સાસુ જાણે….. 

 

કહેવાય છે ને કે ભાભો ભારમાં તો વહુ લાજમાંઆ ભાર માં રહેવાનો ગુરુ મંત્ર છે. સૌને કાન આપો…. અને માંગે તો જ અભિપ્રાય આપો… અને અભિપ્રાય આપ્યા પછી તેનુ પાલન થયુ કે નહી તેની પૃચ્છા કે જાણવા ન મથો. આ સહદેવ ની નીતિ છે.

તારાબા ને કારણે ઘર તો ભાંગ્યુ પણ જયારે ખબર પડી કે તારાબા તેમના બે પૈસા ના સ્વાર્થ માટે સામેના નું બસોનું નુકશાન કરાવતા ના ચુકે ત્યારે સૌને માટે ઉપેક્ષા અને ઉપહાસનું કારણ બન્યા….. ઘણી વખત તમારો અનુભવ ઘરના યુવા પરિવાર ને ઉપયોગી હોય છે. તેમ ઘરનું તાળુ બનતા હો છો. જેમ કે નાનો દિકરો પૈસા ભરપુર કમાતો હોય અને મોટો થોડો મોળો હોય… તો સંપીને રહેવાના તડજડ સુચવતો વડીલ ઘેરું વટવૃક્ષ બનતો જતો હોય છે જેને પોતાની દરેક વડવાઈ ની સરખી ચિંતા હોય… અનુભવો નો ઉપયોગ કરી મોટાને શક્તિવંત બનવા ખુટતી રસ ધારા પહોંચવા મથતો હોય છે.

કુટુંબની સંપત્તિ, માંદગી અને મનદુખો બાંધી મુઠ્ઠી જેવી બાબત છે જે મુઠ્ઠી ખુલી થઈ જાય તો અર્થ હીન થઈ જાય… તેથી એક વાત સ્પષ્ટ રીતે સમજો કે ઘરના મનદુખો વાતો ન કરવાથી વધે છે… વાતો કરવાથી મહદ્ અંશે ગેર સમજો દુર થતી હોય છે. તેથી જેમ દરેક રવિવાર તે કુટુંબ સમયની ચર્ચા નો દિવસ….. પણ કુટુંબની સાથે જ…. તેમા કોઈ ત્રાહિતનો અભિપ્રાય લેવાય કે ન કોઈની પાસે મન ખોલાય… કારણ કે જુતો કયાં ડંખે છે. તે તો જુતો પહેરનાર જ જાણે…

કુટુંબો ના મનદુખો કુટુંબ ના ચાર કે છ જણની વચ્ચે રહે તો તે જલ્દી ઉકલે પણ જો વચ્ચે ત્રાહિત એક કે બે જણ ઘુસે તો વાત કઈ રીતે કાબુ બહાર જતી રહે તે ન સમજાય….

આપ નિવૃત્ત થયા… આપની પાસે પ્રવૃત્તિ ન હોય તો પણ અને હોય તો પણ… આ એક જરુરી ઉંજણ છે. કુટુંબ આપનુ છે… આપે શરુ કર્યું તેને બીજી ત્રીજી પેઢી સુધી સાચવવી તે આપણી નૈતિક ફરજ માત્ર નથી અંગત ખુશી પણ છે. ઘરના સભ્યો ખુશમિજાજ તો ઘર નો માલી પણ ખુશ રહે… અને માળી નું કામ છે સતત નિંદામણ કરતા રહેવાનું… અને પોષણ પાણી આપતુ રહેવાનું…. આ નિષ્ણાતો નું કામ છે… અને હવે તો આપ નિષ્ણાત છો જ… આપના સંતાનો ને સંસ્કાર જ્ઞાન અને પોષણ તથા રક્ષણ આપવાનું અને પામવાનું શીખવવાનું કામ તમારું છે. તમે કુટુંબજીવન ની ગોપનીયતા ને પુરતો ભાર આપશો તો બીન વિવાદી રહી ઘણી ગેર સમજણો દુર થશે……

નવેમ્બર 27, 2008 at 10:33 એ એમ (am) Leave a comment

પ્રકરણ – 7 સંકલ્પ શક્તિ

ઢળતી ઉંમર નો એક ગેરફાયદો છે સ્મૃતિ વિસ્મરણ અને આ વિસ્મરણ કે ભુલી જવાની આદત મહદ્ અંશે વૃધ્ધવસ્થાના ઘણાં અકસ્માતો કરાવે છે. સંશોધનો એમ પણ કહે છે. કે ખેંચેલા રબર ને છોડી દો તો તેની પાછા સંકોચાવાની સ્થિતિમાં 5 થી 7 % ઘટાડો આવે છે. તેવુ જ મન નું પણ છે તે જો ઉપયોગમાં ન લેવાય તો અથવા ખેંચેલુ ન રાખવા માં આવે તો તેની સંકાચન શક્તિ ખોવા માંડે છે.

મનૌ વૈજ્ઞાનિકો આ ઘટના ને એમ કહે છે કે જેમ શરીર ને કસરતો થી ચુસ્ત રાખી શકાય તેજ રીતે મન ને પણ ચુસ્ત રાખી શકાય… અમારા શારદાબા ને કયારેય તેમના 75 માં વર્ષે તેમના કુટુંબ ના વંશવેલા વિશે પુછો તો… દરેક પ્રપૌત્ર, પ્રપૌત્રી નો નામ યાદ, તેમની જન્મ તારીખો યાદ અને તેની ભાવતી વાનગીઓ પણ યાદ…. કયારે જમાઈઓ પુછે પણ ખરા કે બા તમારો અગીયાર નો વસ્તાર…. અને દરેક ને ત્યાં બે અને એ બે ના દરેક ને ત્યાં બે એ દરેક ની વિગતો Family Tree યાદ રાખવી એ અઘરુ કામ નથીપ તે તેમના આનંદનો અને પ્રિય વિષય છે. વળી ભજનાં, સ્તવનો અને પ્રભુ સ્તુતિઓ સંપુર્ણ કંઠસ્થ… ચોપડી ની જરુર જ નહીં. બધા કહે શારદા બા નું કોમ્પ્યુટર એવર રેડી… સ્વીચ દાબવા ની જરુર જ નહીં… પ્રસંગ સ્થળ અને સમય મુજબના એ ગીત સુંદર રીતે રજુ કરી શકતા.ગંગા સતિ એ ગાયુ હતુ ને કે 

મેરુ તો ડગે પણ જેના મન ના ડગે રે……

મરને ભાંગી પડે રે બ્રહ્માંડ રે…… 

મનની સ્થિરતા હોવી એ જીવન વિકાસ નું લક્ષણ છે. નાની બાબતમાં આપણુ મન હાલી ઉઠે, ત્રાસી ઉઠે કે પોકારી ઉઠે તે અધકચરા પણાની નિશાન છે. કહે છે. ન્યુટન સ્થિર મગજથી કલાકો વિચારી શકતા હતા. ચિંતન કરી શકતા હતા. તેઓ સ્પષ્ટ માનતા હતા કે મન એ ચંચળ હોય છે… તે હંમેશા નિયમન ની નીચે રહેવુ જોઈએ…. પરંતુ તં હંમેશા નિયમો તોડવા માં માનતુ હોય છે. નોકર હોવા છતા માલીક બનવા ઝઝુમતુ હોય છે…. તેને હંમેશા કાર્યરત રાખી નિયંત્રણમાં રાખવું.

આ નિયંત્રણ માટે સતત પ્રાર્થના , ધ્યાન, જાપ, ભજન, પૂજન અર્ચન જે કંઈ આપણી વૃત્તિને અને શરીરને અનુકુળ હોય તે રીતે સ્વીકારવા જોઈએ….

 મારા બા ની વાત કરું તો તે કહે ધર્મ એટલે નિયમિતતા અને તે નિયમિતતા પહેલા જાગૃતિ માં અને પછી અજાગૃતિ માં આવે… પહેલા એક માળા ગણતા અર્ધો કલાક થાય પણ જેમ ટેવ પડતી ગઈ તેમ ઝડપ વદતી ગઈ અને પછી તો નવ માળા એક કલાક માં થાય… અને વર્ષો બાદ તેમનાં શ્ર્વાસે શ્ર્વાસે હરિનું નામ… એક ક્ષણના પણ પ્રમાદ નહીં… આ મગજને નવરુ ન પડવા દેવા માટેનું ઉત્તમ જ્ઞાન… 

એક વાણીયા ને એક જીન વર્યો એ કહે તમે જે કામ છે તે હું કરું પણ મને સતત કાર્યરત રાખવાને નહીંતર હું તમને કરવા ન દઉં… હવે વાણીયો આખા દિવસમાં કેટલુ કામ કરે ? જા પાણી ભરી આવ કપડા ધોઈ દે… વાસણ કરી દે… પણ પાંચ કલાકમાં બધી કામ થઈ ગયુ… એટલે કહે હવે હું તને જયાં સુધી ધાંટો ન પાડુ ત્યાં સુધી પેલા ઝાડ ઉપર પાંદડા ગણ… તો વળી રાત્રે હુકમ કરે હું ઉઠુ નહીં ત્યાં સુધી આકાશ ના તારા ગણ… બસ આ મન આવુ જીન છે. તેને માલીક થવુ ગમતુ હોય છે પમ તે નોકર છે અને તેને નોકર રાખવામાં જ આપણુ શ્રેય છે. 

કવિ મકરંદે ગાયુ છે કે 

રોજિંદી દુનિયા છો માંગે હિસાબ

ભલે રોકે ઘડિયાળ નો કાંટો

આધે ના તારા ના ચમકારે ચમકારે

બ્રહ્માંડે મારી આવ આંટો

કિરણો નો કયાંય છે કિનારો

વૈરાગી નો બાજે બાજે એકતારો…. 

કવિ બહુજ હલકાઈ થી ભુલા પડેલા માનવને કહે છે. બ્રહ્માંડ માં તારાના અજમાળે મારી આવ આંટો પણ.. નથી ઉડવા માટે તેની પાસે પાંખો… કવિ માટે તો કહે છે. બ્રહ્માંડ તો પીડ માં છે. બહાર ઉડવા ન માંડે તેથી તે મન ને અંતર માં વાળવાનું છે. જયારે પણ મન મજબુત થશે ત્યારે આંતરિક ઉડ્ડયનો વધુ થશે.

શ્રી મોટા કહેતા હતા કે

માનવી જેવા વિચારો કરે તેવા વિચારો ના આંદોલનો, મોજાં, સ્વાભાવિક રીતે જ એની આજુબાજુ માં પ્રસરતા હોય છે. જૈન તિર્થંકરો જયારે ધ્યાનસ્થ હોય ત્યારે તેમની આસપાસ સાપ ના દર થાય. કીડી ઓનાં ઘર થાય પંખી ઓના માળા બંધાય… અને આંખે ઉપર જાળીઓ બંધાયપરંતુ આમ થવાની ઘરના પાછળ તેમના મનમાં ચાલતા અહિંસક શાંત અને કરુણા મય વિચારો મુખ્ય કારણભુત હોય છે.

ઘણા સાધુ અને સંત માણસો આ વિચારો અંતરંગ ને પામી જતા હોય છે તેમને હિંસક વિચારવાળો માણસ પણ પીડા આપતો હોય છે. મન માં છુરી અને મુખમાં રામ વાળા માણસો ને શ્ર્વાન અને નાના બાળકો સહજ રીતે ઓળખી જતા હશે તેનુ કારણ પણ આવુ જ કંઈ હશે ને ?

આખી વાત નો સારંશ એ છે કે નિવૃત્ત જીવનનો મોટો દુશ્મન છે મન અને સવાયો દોસ્ત પણ છે મન તેને નિયમન માં લાવવા શરુઆતમાં કડક થવુ પડશે પણ એ જયારે નિયમન માં હશે તો તે અંદર ના બ્રહ્મ સુધી લઈ જશે. જો તેને રેઢું મુકી દીધું. તો તે અકસ્માતો કરાવ્યા વિના નહીં રહે અને પેલા જીન ની વાતોમાં આવે છે તેમ જો તેને કામ ન સોંપાય તો તે તમને નુકશાન કરી શકે છે. જયારે નોકરી-ધંધો કરતા હતા ત્યારે જેવુ નિયમિત જીવતા હતા તેવુ નિયમિત જીવન જીવવા સમય ના કોચલા ઓમાં નવા ગમતા કામો ગોઠવવા એ એક કળા છે. કોમ્પ્યુટરની ભાષામાં જો કહું તો પ્રોગ્રામ લખવો પડશે અને પછી તે પ્રમાણે સક્રિય થવુ પડશે.

વાત કરું અમારા હરિકાકાની. નિશાળે નિવૃત્તિ આપી આવકો ની જરુર નહીં છતા… નિવૃત્તિ પછી નવો વ્યવસ્ય શોધ્યો જરુરિયાત મંદો ને વિના પૈસે જ્ઞાન પીરસવાનો…. એટલે સવાર પડે અને સ્કુલે જવાના સમયે તૈયાર તેમના સ્ટડી રુમ માં જાય અને.. કોમ્પ્યુટર ના ગુગલ વિભાગ ને ખોલે… તેમના ગમતો વિષય શિક્ષણ અને તેને લગતા દેશ વિદેશમાં ચાલતા કામોની શોધ ખોળ કરે… અને દર 45 મીનેટે એલાર્મ વાગે અને તેમનો વિષય બદલે….

કાકી કહે વળી નવુ શું તુત કાઢયું ? તો કહે જો તારા રસોડામાં હું આવીશ તો તે તને ગમવાનું નથી. હું મારી નિયમિત જિંદગી માં જુદા પ્રકાર ની મને ગમતી તાજગી લાવવા મથુ છું… આ ઘડીયાળ નું એલાર્મ ડંકા વગાડી મને સંતુલીત કરે છે… અને કોઈ ને પણ નડ્યા વિના હું મને જે જાણવુ છે તે આ ગુગલ દોસ્ત પાસેથી મેળવી લઉં છું.

એમ કરતા કરતા વીકોપીડીયા ઉપર લખતા ગયા… અને આજે હરિકાકા ઘણા બધા નેટ મિત્રોના માનીતા ગુરુ બન્યા… તેમને કદી સમય જતો નથી ની ફરિયાદ અને નથી નિવૃત્તિ બના બોરીયત નો કોથળો….

ઉપરોકત ટાંકેલી દરેક વાતો નો અંત એક જ છે… સંકલ્પ શક્તિ કેળવવી પડે છે. તે એક વ્યાયામ છે. તમારા વિચારો ને ચકાસો સત્યને દ્રઢતાથી વળગો અને પછી ગમે તેવી વિચારોના પર પોટા આવે તેને ન ગાંઠો ખબર પડી કે સૂર્ય પૂર્વમાં ઉગં… ઘ્રુવ નો તારો ઉત્તર માં જ હોય પછી તે સત્યનાં આધારે દિશા શોધવી કદી કઠીન ન બને.

ઇન્સ્ટાઇન એક વિજ્ઞાની મિત્ર બર્લિનના તેમના નિવાસસ્થાને મળવા આવ્યા હતા. વાતચીત દરમ્યાન બન્ને મિત્રો એ પોટ્સડેમ પુલ પાસે આવેલી એક વેધશાળા જોવા જવાનું વિચાર્યું. તેનો દિવસ અને સમય નક્કી કર્યા બાદ પુલના અમુક છેડે ભેગા થવાનું ઠરાવ્યું.

પેલા મિત્ર બર્લિન શહેરના અજાણ્યા હતા. પોતાની મુશ્કેલી જણાવતાં એમણે કહ્યું, “કદાચ હું ઠરાવેલા સમયે ન પહોંચી શકું તો?”

આઇન્સ્ટાઇનઃ “અરે! તેથી શો ફેર પડવાનો હતો? તમારી રાહ જોતો પુલનાં છેડે ઊભો રહીશ.”

મિત્રને સંકોચ થયોઃ “એમ તો તમારો ઘણો સમય બગડે.”

આઇન્સ્ટાઇનઃ “મારા સમયની ચિંતા ન કરો, જે જાતનું કામ હું રોજ કરું છું તે હું ગમે ત્યાં કરી શકું તેમ છું.”

એ જવાબથી પણ મિત્ર ને સંતોષ ન થયો. વિવેક ખાતર આઇન્સ્ટાઇન આમ કહેતા હશે એમ માની તેમણે પૂછ્યું: ” ત્યાં પુલના છેડે ઊભા ઊભા તમારું રોજિંદુ કામ તમે કેવી રીતે કરી શકો, તે મને સમજાતું નથી!”

આઇન્સ્ટાઇને હસતા હસતા કહ્યું: ” અરે, એ તો સાવ સહેલુ છે. અભ્યાસખંડમાં બેસીને વિજ્ઞાનના કોયડાઓ પર જો હું ચિંતન કરી શક્તો હોઉ તો પોટ્સડેમ પુલને છેડે ઊભો ઊભો એ જાતનું ચિંતન કરવાને હું ઓછો શક્તિમાન છું એમ તમે શા માટે માનો છો?”

E mail from Ashok Kalia

 

નવેમ્બર 27, 2008 at 10:31 એ એમ (am) Leave a comment

પ્રકરણ – 6 દરેક પગલા ગણી ગણીને ચાલો…

 

50 ઉપર થાય એટલે અમેરીકા માં “ Over the hill ’’ નામનાં અભિનંદન પત્રો અને ઈમેઈલ આવે… કારણ કે જુવાનીયા એમ માને કે એટલી સ્પર્ધા ઘટી… અને જે 50 ઉપર ગયો તેમ માને કે હવે જિંદગી નો બદલાવ શરુ થયો. આમેય જે લોકો કાર ચલાવતા હોય છે તેઓ ને ખબર છે જયારે ગાડી ઉપર ઢોળાવ ચઢતી હોય ત્યારે ભલે ને 60 માઈલ ની ઝડપે જતી હોય પણ ઢોળ ઉપર ચઢવાને લીધે ગુરુત્વાકર્ષણનું કે ગ્રેવીટી ફોર્સ ને કારણે તેની ઝડપ 60 કરતા ઓછી જ હોય… અને જયારે ઢોળ ઉત્તરતા હોય ત્યારે તે 60 કરતા વધારે હોય… બસ તેમજ… 50 પછી કુદરતી રીતે પણ સાવધાની વધતી હોય છે.

 

કોલેજ દિવસો માં ગીરનર  ચઢતા ચઢતા મારો મિત્ર નરેન્દ્ર થાકી ગયો… અને અમારા કરતા તેનો ગુરુત્વાકર્ષણ તેને વધુ ભારે બનાવતુ… હવે જયારે ઉતરવાનું શરુ કર્યું ત્યારે તેને ગુરુત્વાકર્ષણ મદદ કરતુ હતું –  તેની ઉતરવાની ઝડપ અલ્પ પ્રયત્ને પણ વધી જતી હતી… અને તે ત્યાં સુધી કે એક વણાંક ઉપર તે પડતો પડતો રહી ગયો… ત્યારે તે બોલ્યો કે ઉતરતી વખતે જરા વધારે ધ્યાન રાખવુ પડે છે… હમણા તો કાબુ લગભગ જતો રહ્યો હતો… 1972 માં રાઈફલ કેમ્પીંગ માં જતા બનેલી  આ ઘરના 50 થયા પછી સાંગો પાંગ સાચી પડતી જણાઈ….

 

રેણુ ઘણી વખત બહુ લાગણી થી કહે હવે આપણે પહેલા જેવા નથી રહ્યા… ગંભીર રીતે તેનો ઈશારો આ જ હોય કે ધીરી બાપુડીયા…. 50 વર્ષ નો જિંદગી ના ઉતાર ચઢાવ નો અનુભવ પુરાવર્તીત કરવાની હવે આ ઉંમર નથી…. બીજી ભાષામાં ઉપર ચઢવા ના ઉન્માદ ને સંયમ માં રાખો અને નીચે ઉતરવા માં ગણી ગણી ને ચાલો… કે જેથી પછડાટ ના અનુભવવી પડે….

 

લગભગ દરેક ના જીવનમાં તેમના જીવન સાથી પાસેથી આ વાત સાંભળતા મહદ્ અંશે એવા ઉન્માદ આવે કે આ વાળ કંઈ સુરજ માં તપાવ્યા નથી… ઘડાઈ ઘડાઈને આ પરિપક્વતા આવી છે… જિંદગી ના દરેક પગલે આવતા ખાડાઓ નું મને જ્ઞાન છે… તુ ચિંતા ન કર… હું પહોંચી વળીશ… ત્યારે ફરીથી ગણીત શિક્ષક દસરથભાઈ બ્રહ્ભટ્ટનું વાક્ય યાદ આવે… દાખલા તો ગણ ગણ કરવા જ પડે 100 દાખલા આવડયા એટલે 101 મો આવડશે જ તેવુ નહીં સમજવાનું… જિંદગીમાં દરેક પળે તમને તમારા અનુભવો કામ લાગશે તેવુ નહીં માનવાનું પણ ઢળતી વયે જરા સાવધાની વધારે રાખવાની.

 

ઢળતી ઉંમરે અનુભવનું અભિમાન સોડાવોટરના ઉભરા ની જેમ ચઢતુ હોય છે…. હા… આ તો મને આવડે છે. અને એ આવડવાની વાત માં ઘણી વખત મેન્યુઅલે સુચવેલી ઝીણી ઝીણી વાત ભુલી જવાય… અને મૃત્યુ…. સુધી પહોંચી ચુકેલા સ્કાય્ ડાઈવર એરીક જેવુ બને…. એરીકે સીનીયર જયોર્જ બુશે 85 વર્ષે આકાશ માંથી મારેલી છલાંગ ને ધ્યાનમાં રાખી હવાઈ કુદકો તો માર્યો અને પહેલી મીનીટ દરમ્યાન તેને યાદ જ ન આવે કે હવાઈ છત્રી ખોલવા ની કડી કયાં છે… પાયલોટ આખી જિંદગીભર હતો તેથી આ હવાઈ કસરત ની વાતો દરેક વર્ષો વાંચેલી પણ તે સમયે તે કડી શોધ્યા જ કરે… સારુ હતુ કે દરિયા ઉપર પડયો…. વાગ્યુ પણ જાન સલામત તો સબ સલામત નો ન્યાયે તેણે એક ઉમદા કથન કર્યું. મેન્યુઆલ વાંચવુ અને મેન્યુઅલ પ્રમાણે કરવા માં આવડત નું અભિમાન ભેળવશો નહીં….

 

જેમ ઉંમર વધે તેમ મને આવડે છે વાળા અભિમાન ને કાબુમાં રાખનારો આ પ્રસંગ એમ ચોક્કસ કહે છે. ઉતાવળા સો બાવરા… ધીરા સો ગંભીર…. 50 ની ઉપર ધીરા થવાનું પરવડશે… પણ પછડાવાનું…… તો કદી નહીં… પરવડે… એરિક આજે પણ જો તે જમીન ઉપર પછડાયો હોત તો ? ની કલ્પના કરતા ધ્રુજે છે.

નવેમ્બર 27, 2008 at 10:22 એ એમ (am) Leave a comment

Older Posts


Email

નિવૃત્તિની પ્રવ્રુત્તિ પુસ્તક મેળવવાનું સ્થાન

nivrutti_final12 ૧. "નિવૃત્તિનિ પ્રવૃતિ"પ્રસિધ્ધ થઇ ગઇ છે

reviews are on
http://vijayshah.wordpress.com/2009/12/30/nivruttini-pravruti-pustak-svarup/
Book ID 67718

www.authorhouse.com

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 51 other followers

Blog Stats

 • 59,762 hits

Top Clicks

 • નથી
નવેમ્બર 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

સંગ્રહ